Tuesday 11 October 2016

ઉઘડતી યાદો

    ઘર નજીકના બાગમાં સાંજ પડ્યે થોડું વોક લેવા નીકળતાં જ સામેથી એક યુવતી પસાર થઇ અને ઉન્મેશથી બોલાઈ ગયું . 
"અરે ,વિશ્રાંતિ તું? ઓળખે છે કે નહિ ." 
"હા ... હા , ઉન્મેશ .કેમ છે .અહી રહે છે ?"
"હા આવને ઘરે "કહી પાછો ઘર તરફ વળી.ગયો. બંને કોલેજની જૂની વાતો વાગોળતા હતા ."ચાલ ત્યારે મળતી રહેજે આમ .હું તો હવે આજે વોક પર નથી જતો .મીઠા મધુરા કોલેજ ના દિવસોની યાદની કેડીએ ચાલીને  પ્રફુલ્લિત થઇ ગયો ." વિશ્રાંતિ નજીકના કોઈ સગાને ત્યાં મળવા આવી હતી , રીક્ષાવાળો નાકે જ ઉતારી ગયો .ને ચાલતા ચાલતા અચાનક બંને મળી ગયા .વિશ્રાંતિ હજુ પણ કોલેજ માં હતી એટલીજ સુંદર દેખાતી હતી .
"ચાલ મૂકી જાઉં કારમાં "
"અરે ,થેન્કસ આજ સોસાયટીમાં છે પણ કદાચ પાછલી વિંગ માં હશે ,હું જતી રહીશ " બાય .
ને.... ઉન્મેશ દૂર સુધી એને જતા જોતો રહ્યો ,એજ સ્ટાઈલ ને એજ રીતે જરા અછડતી નજરે જોઈ લેવું જેના પર કેટલીએ ગઝલો ને કાવ્યો રચ્યા હતા ઉન્મેશે ,..વિશ્રાંતિનાં વિચારોમાં આંખો મીંચી સોફા પર પડ્યો રહ્યો .કેટલું ચાહતો હતો એ વિશ્રાંતિને પણ એને કઈ કહી નહિ શક્યો .  
દીકરા બંને સ્ટડી માટે બીજા સીટીમાં ભણતા હતા .
"ઓફીસથી વહેલા આવી હેલ્થ માટે થોડો સમય આપો ,"
ઉન્મેશની પત્ની ડોક્ટર હતી. કલીનીકથી આઠ વાગ્યે આવશે અને આજનું workout પૂછશે અને ડાએટ ફૂડ .એટલો બોર થઇ ગયો હતો એકધારી જીંદગી લાગતી હતી .બસ ,વિચારોમાં ખોવાઈ જવું છે.વધતું કોલેસ્ટ્રોલ ભૂલી જવું છે .ઝડપથી ઉભો થઇ ફ્રીઝ ખોલી જ્યુસ લીધું અને ચીઝ ....ખુશીમાં તો ખવાય .મનને જવાબ પણ આપી દીધો . રૂમમાં જઇ લખેલી ગઝલો , કાવ્યો અને આપ્યા વગરનાં પ્રેમપત્રોનું ફોલ્ડર ખોલી વાંચવા લાગ્યો .શબ્દે શબ્દે નવા તરંગો ને ગીત ગણગણતા ....આ...હા એક નવું ભાવવિશ્વ એનું ને વિશ્રાતીનું, જેમાં નહિ કહેલું ,નહિ કરેલું બધું જ જાણે એના સ્વપ્નજગત પર છવાઈ ગયું .થોડીવાર પછી ટી.વી ઓન કરી બેઠો .પણ સામે કઈ નહિ ખાલી ચિત્રો પસાર થતા હતા .નક્કી કરી લીધું હતું કે કોઈ પણ હિસાબે મારો ખોવાયેલા પ્રેમને પામવો જ છે .
રાત્રે પત્નીને હા હા કહીને જેમ તેમ જવાબો આપી ઊંઘી ગયો ,ઓફિસે લંચબ્રેકમાં વિશ્રાંતિને ફોન જોડ્યો ,
"શું કરે છે ?"
"બસ ,રૂટીન લાઈફ ,મેગેઝીન વાંચતી આડી પડી હતી .દીકરી સાસરે છે અને દીકરો લાસ્ટયરમાં ભણે છે .વિકાસ ફેક્ટરી ગયા છે ."
" યાદ કર્યો તો મને આજે ?"
"અ ..હા .....પણ એકદમ કેમ આમ પૂછે છે "
"બસ આમ જ ,તને યાદ છે હું કોલેજમાં ચાલુ કલાસે કવિતા ગઝલ લખતો અને સરે મને કાઢી મુક્યો હતો " હસી પડી વિશ્રાંતિ ."હવે તને સમય છે મારે માટે? તો તને એ બધું સંભળાવવું છે " 
"કેમ આમ બોલે છે ,ચોક્કસ સમય છે જરૂરથી સાંભળીશ" 
"તને ખબર છે? એ બધું મેં તારે માટે લખ્યું હતું ."
"ઓહ રીયલી ,મને એવો ખ્યાલ નથી "
"દિલમાં મારે માટે કોઈ જગા હતી ક્યારેક?"
"તું યાદ તો હતો કોલેજનાં મિત્ર તરીકે પણ એવા જીંદગીમાં ખોવાઈ ગયા કે વધુ કશું વિચાર્યું જ નહિ ."
"હવે વિચારીશ?" 
વાતો કરતા ક્યાં સમય નીકળી જતો અને ફોન પર કેટલીયે વાર ગઝલ કાવ્યો સંભળાવતો .એક દિવસ ફેમીલી સાથે મળવાનું નક્કી કર્યું અને ખૂબ વાતો કરી .થોડા સમય માં તો બંને ઘર વચ્ચે ગાઢ રીલેશન થઇ ગયા .ઉન્મેશ માટે પોતાના ભાવ કાબુ રાખવું ખુબ મુશ્કેલ થતું.મિત્રતા થી આગળ વધી ગયા હતા બંને .વિશ્રાંતિ પણ એના ખાલી ખાલી લાગતા જીવનમાં જાણે પહેલી પહેલી પ્રેમમાં પડી હોય એવું ફિલ કરવા માંડી .ખબર હતી કે જીંદગીનાં કોઈ નિર્ણયો હવે બદલાવાનાં નહિ હતા પણ એમાં આવેલા વળાંકે બંનેના દિલમાં તોફાન મચાવી દીધું હતું .ઓફીસમાંથી બહારગામ જાઉં છું કહીને એકવાર વિશ્રાંતિ સાથે સમય ગાળ્યો અને દિલની બધી વાતો મન ભરીને કરી .
"ઉન્મેશ આવું ક્યા સુધી ચાલશે ?
"આપણાં દિલને એકબીજાનો સહારો તો જિંદગીભર ચાલશે.અને મિત્રતા પણ રહેશે .હું સારી રીતે રહું છું મારા ઘરમાં ,તું તારા ઘરમાં સારી રીતે રહે છે .આપણે ક્યાં કોઈ પ્રોબ્લેમ છે ?અને આ આપણી અંગત પળો છે કોઈને શેર કરવાનું જરૂરી નથી સમજતો .મોર્ડન લગ્નોમાં હોય એવી બિનજરૂરી ઈમાનદારી બતાવીને  વાઈફ કે હસબંડને સંબંધો ને સ્વીકારી લેવા પડે એવી રીતે મજબૂર પણ નથી કરવા માંગતો ."
"પણ મારે ખૂબ સાચવવું પડે છે આ રીતે મળશું તો ક્યારેક તો કોઈ જાણે........"
"હું તને કોઈ રીતે ફોર્સ નહિ કરું ,જયારે પણ તને યોગ્ય લાગે ત્યારે આપણે મળીશું "
"ઓ.કે. ,આપણો દિલથી બંધાયેલો સંબંધ જીંદગીભર રહેશે અને કોઈ પણ વાતે કે સંજોગોમાં એમાં કડવાશ કે ગેરસમજ નહિ આવે."
વરસો વીત્યા મિત્રતા એવી જ છે હજી . ફાર્મ હાઉસનાં હિંચકે બેસીને દીકરાંના દીકરાનું કોલેજ માં એડમીશન માટે ટ્રસ્ટી વિષે જાણી ઉન્મેશને ફોન જોડ્યો ,
"ઉન્મેશ , તારા મોટાભાઈની કોલેજમાં ........વગેરે વગેરે "
"તું ચિંતા નહિ કર બધું બરાબર થઇ જશે વિકાસનો ફોન પણ આવ્યો હતો .શું છે આજે સાંજે મારે ત્યાં સાંજે જમવા ભેગા થવાના છીએ .પેલી મોરપિચ્છ કલરની સાડી જ પહેરજે એમાં તું છે એના કરતા વધુ સુંદર દેખાય છે "
"ખરો છે તું પણ કેટલું યાદ રાખે છે .શ્યોર પહેરીશ ,તારે માટે અખરોટનો શીરો ને મરચાનું અથાણું ........"
" બસ, બધું યાદ છે એ જ તો જીવંત છે........
-મનીષા જોબન દેસાઈ

No comments:

Post a Comment