Tuesday 11 October 2016

ટશર

                 શહેરનાં પૉશ વિસ્તારમાં મોટા ફાર્મ હાઉસમાં  રજવાડી સ્ટાઇલનું ઘર ધુરમસિંહની હવેલી તરીકે ઓળખાતું .હરિયાળીથી ઘેરાયેલું ,વીતેલા સમયની કોતરણી અને ભવ્યતાને ઉજાગર કરતી આ હવેલીનું લોક હર્દયે એક આગવું સ્થાન હતું .ખુબ સમ્માનિત ધુરમસિંઘના ફેમિલીની શાન હવેલીની દીવાલો જર્જરિત થઇ હોવા છતાં એટલીજ ઊંચી હતી .વર્ષોથી એમાં  ધુરમસીંહ એમનાંં બીજા પત્ની તુલકબા સાથે રહેતા હતા.  બાજુમાં ધુરમસીહનાંં સાવકા નાનાભાઈ હુકમસિંહનો બંગલો જેમાં એ દસ વર્ષ પહેલા  ફેમિલી સાથે જુદા રહેવા જતા રહેલા મોટો દીકરો વિદેશમાં ફેમિલી જોડે પોતાનાંં બિઝનેસમાં અને બે દીકરીઓ પરણીને સાસરે .તુલકબાને કોઈ સંતાન નહોતા .  ખૂબ નાની ઉંમરની પત્નીને એમનાંં ગામથી પરણીને લાવેલા .તુલકબા બાળવિધવા એટલે સમાજમાં ફરી લગ્ન નહિ થાય .જોકે ,એમનાંં આ પગલાથી ઘણાંં બધા લોકો નારાજ પણ હતા .પણ વખત જતાં બધું રૂટિન થઇ ગયું હતું .હવેલીનાંં કમ્પાઉન્ડમાંજ સર્વન્ટ કવાટરો  ,ક્લબ હાઉસ ,સ્વિમિંગ પુલ .ટી-કોફી પાર્ટી માટેના ગઝેબો , મેનેજરનું ઘર ,ઓફિસ પણ બનાવવામાં આવી હતી , શિક્ષિત તુલકબા ઝડપથી ધુરમસિંહના પ્રિય થઇ ગયેલા અને બધો કારભાર પણ સંભાળવાં માંડયા હતા.જમીનોનો વહીવટ અને ખેતી વગેરેના અને દરેક સરકારી કામ માટેની મિટિંગો પણ સરસ રીતે હેન્ડલ કરતાં.
            અને ...અચાનક એક દિવસ રાત્રે હવેલીમાં રાત્રે ચોરી માટે કોઈ અજાણ્યો માણસ ઘૂસી આવ્યો ,ધુરમસિંહની આંખ ઉઘડી જતાં એ જઇ પહોંચ્યા અને અંધારામાં ગોળી ચલાવી દેતા પેલા અજાણ્યા માણસનું મૃત્યુ થયું ,એનાંં હાથમાંથી મોટો છરો પણ મળ્યો હતો અને પોલીસ તપાસમાં એ નજીકનાં જ કોઈ ગામનો માણસ હતો , આગળ પણ ચોરીનાં ગુનામાં જેલ જઇ આવ્યો હતો . થોડી ઘણી પોલીસ કાર્યવાહી થઇ  પણ સ્વબચાવ કરવામાં આ કૃત્ય થયું છે એથી ધુરમસિંહ સજાથી બચી ગયા .પણ .....આ બનાવ પછી હવેલીનાં વાતાવરણમાં એક પ્રકારની દહેશત છવાઈ ગઈ હતી .સાંજ પડ્યે વૃક્ષોનાંં સરસરાટમાં એક તીણી ચીસ  છુપાઈ હોય અને સાંજે જાણેકે કોઈ ઓળો ફર્યા કરતો હોય એમ બધાં ચુપચાપ પોતાનાં રૂમોમાં બેસી રહેતા .ગઝલ,ગીત,સંગીતની મહેફિલો  સ્થગિત થઇ ગઈ હતી.તુલકબા ધીમે ધીમે  સ્વસ્થ વાતાવરણ સર્જવા પ્રયત્ન કરતાં . એક સ્તબ્ધ થઇ ગયેલો  ઉપરછલ્લો વહેવાર તુલકબા મહેસુસ કરી રહયા હતા .ધુરમસિંહ પણ સાત વાગ્યે એટલે તુલકબાને પોતાની મઘમઘતી વેલોથી આચ્છાદિત ટેરેસ પાર બોલાવી લેતા અને ડ્રિન્ક તથા વાતો અને મ્યુઝિક સાંભળી હળવું વાતાવરણ સર્જવા પ્રયત્ન કરતાં .તૂલકબાને જાણે અજાણ્યે એવું લાગવા માંડ્યું હતું કે એમના પર નિયંત્રણ મુકાઈ રહ્યું છે.ટેરેસ પર ઝીણી મલમલની બાંધણી અને કાનમાં રજવાડી ઝુમ્મર પહેરીને સામે બેઠેલા તુલકબાનાંં રૂપને ચાંદની રાતમાં બેસી ધૂરમસીંહ જોઈ રહેતાં પણ સાથે કોઈ એમને મારવાનો પ્રયત્ન કરી રહ્યું છે એવો ડર પણ ઘર કરી ગયો હતો .તુલકબાની, માં બનવાની ઈચ્છાથી પણ એ અજાણ નહોતાં પણ પોતાના બાળકોનાં તુલકબા પ્રત્યેનાં અણગમાને લીધે વિચારમાં પડી જતાં.દીકરીઓ પણ ભાગ્યેજ મળવા આવતી.એક વિચાર  ચમકી જતો કે કોઈ પણ ષડયંત્ર કરીને એમના ભાવિ સ્વપ્નોને છિન્નભિન્ન નહિ કરી દે.એમણે બીજા દિવસે ખાનગીમાં પોતાના વકીલ અને મેનેજરને બોલાવી નવું વિલ પણ તૈયાર કરાવ્યું અને તુલકબા સાથે રાત્રે ડિસ્કસ કરી ઘણી અજાણ વાતો અને પ્રોપર્ટીથી માહિતગાર પણ કર્યા.એ બધી જ મહેરબાની છતાં તુલકબા હવે અંદરથી એકલું અનુભવી રહયા હતાં , ધુરમસિંહ એમને બધાથી દૂર રાખતા હોય એવું પણ અનુભવવા લાગ્યા .
                      અને ...અચાનક એક દિવસ રૂમમાં મેનેજર પારસરામની ગળે ફાંસો ખાધેલી લાશ મળી સાથે  ચીઠ્ઠીમાં લખ્યું હતું કે  'મારી અસાધ્ય બીમારીને કારણે  જીવન ટૂંકાવું છું .'ત્યારબાદ રાત્રે વચ્ચેનાં ફોયર અને દાદરો પર ઘરનાં નોકરોનાં પડવાનાં અને વારંવાર બલ્બ ફૂટી જવાના અનુભવો થવા માંડયા .અને આખી હવેલીનાં માણસો અને ધીરે ધીરે શહેરમાં વાત ફેલાવા માંડી કે હવેલીમાં જરૂર કોઈ આત્માજ છે અને તુલકબા અપશુકનિયાળ છે.હવેલીમાં રહેતા સર્વન્ટ રાત્રે રહેવાની ના પાડવા માંડયા . આરીતે તો હવેલી છે એનાથી વધુ ભયાવહ અને ઉજ્જડ થઇ જશે .એટલે ધુરમસિંહે વધુ સિક્યોરિટી અને ગાર્ડનમાં લાઈટ વગેરે મુકાવી .પણ વરસાદનો સમય અને સિટીથી દૂરનું ફાર્મ એટલે વારંવાર લાઈટ જતી રહેતી..વિકેન્ડમાં જેમતેમ આવતી દીકરી બે દિવસ રહેવા આવી તો બાથરૂમમાં પડી ગઈ અને હોસ્પિટલાઇઝ કરવી પડી .
                 રાત્રે ધુરમસિંહ આ બધી  ઘટનાઓથી  વિચલિત  થઇ સજ્જડ રીતે તુલકબાને વળગીને બેઠા અને શુન્યમસ્ક આંખોએ જોઈ રહયા.એકલા હાથે આ બધી જવાબદારી તુલકબાએ સાંભળવી પડે છે એની લાચારી આંખોમાં ઉતરી આવી.
'મારા હાથે આવી ભૂલ થઇ ગઈ અને કુદરત મને સજા આપે છે તુલક '
'ના ના ,એવું કશું નથી તમે કશુંજ ખોટું કર્યું નથી.એતો કાગનું બેસવું ને ડાળનું પડવું .બધું સારું થઇ  જશે.જીવનમાં તકલીફ તો આવ્યા જ કરે .'
'પણ ,તારા જીવનમાં આમે એકલતા હતી અને તને અહીં લાવી વધુ મુસીબતમાં મૂકી દીધી.' 
'કેમ આવું વિચારો છો ?આપણે એકબીજાનો સહારો  નથી ?'
અને ગુમસુમ બેસી રહ્યા .વીજળીનો ગડગડાટ અને ભયંકર વરસાદનાં વાવાઝોડામાં  હવેલીનાં ઝુમ્મરોનો ખણખણાટ આજે મધુર સંગીતને બદલે  કોઈ વિચિત્ર અવાજોથી  હૃદયને થથરાવી રહયા હતાં .આગલાંં વરસાદની માદકતા ભયભીત આંખોમાં ખોવાઈ ગઈ હતી. તુલકબા અથડાતી બારી બંધ કરવા ગયા અને કાચ ફૂટવાનો અવાજ સાથે તીણી ચીસ સંભળાઈ, ધુરમસિંહ દોડયા ,મુખ્ય બે રૂમમાં જનરેટરની લાઈટ ચાલતી હતી પણ બાકીનાં રૂમોનાં કેન્ડલ વગેરે તો હવાનાં તોફાનથી લગભગ બુઝાઈ ગયા હતા .અને ટોર્ચનાં પ્રકાશમાં જુવે છે તો હાથમાં વાગેલા કાચથી લોહીલુહાણ તુલકબા બાજુની ખુરશી પર બેસી ગયા હતા અને ફલોર પર કાચ તોડીને આવેલા મોટા પથ્થર પડયા હતા .એકદમ ભયથી તુલકબા વળગીને રડી પડયા .
'આપણે કાલે જ કોઈ બીજી જગ્યાએ શિફ્ટ થઇ જઇએ .વરસાદનાં દિવસો પતે એટલે ફરી આવશું .'
' શું તમે પણ આમ ગભરાઈ જાવ છો ?'
એટલામાં બાજુમાંથી હુકમસિંહનો ફોન આવ્યો અને લાઈટ વિષે પૂછવા માંડ્યું .ધુરમસિંહે પોતાનો બીજે શિફ્ટ થવાનો આઈડિયા કહ્યો .
'હા હા ,કોઈ જગ્યાએ સિટીમાં બંગલો રેન્ટ પર લઇ શકાય અને તમને એકલું પણ નહિ લાગે .વગેરે ...'
 અને ..થોડા દિવસમાં એક બંગલામાં ધુરમસિંહ અને તુલકબા શિફ્ટ થઇ ગયા .અને હવેલીનાં ઊંચા ઊંચા બારણા વસાઈ ગયા ,બસ થોડા સર્વન્ટ અને સિક્યોરિટી ,માળી વગેરે રહે અને દિવસે ઓફિસમાં તૂલકબાએ આવવાનું ચાલુ રાખ્યું .દિવસમાં એકવારતો હવેલી ખોલી તુલકબા અંદર આંટો મારે અને રસઝરતા દિવસોને  યાદ કરતાં એક ઊંડો   નિશ્વાસ નીકળી જાય.અહીં રાણીની જેમ મહાલતા અને હિંચકે બેસી ફુલોની રંગીન  વેલોનાં ભીનાં ભીનાં વાયરામાં ભીંજાઈ જતા.અને એક સાંજની યાદ આવી જતાં તન-મનમાં એક લખલખું પસાર થઇ ગયું .આમજ ફૂલોથી ઘેરાયેલા સ્વિમિંગમાંથી ભીંજાયેલા રુમ તરફ જઇ રહયાં હતા અને અચાનક હાથ ખેંચી કોઈએ એમને ગુલાબનાં વેલાઓથી ભરેલી દીવાલ સાથે જકડી લીધા અને અવાજ નીકળે એ પહેલા એમનાં કોમળ હોઠોને મજબૂત હથેળીથી દબાવી દીધા .અને ....જુવે છે તો લાલ કરડી આંખો એની આંખો  પર ઝુકાવી હુકમસિંહ મર્માળુ હસી રહયાં હતા .ખૂબ છૂટવાનાં પ્રયત્ન કર્યા પણ ક્યાંય સુધી સખ્ત જકડેલી બાહો અને ગુલાબ સાથે વાગતા કાંટાઓએ એમની આંખોમાં વિવશતા લાવી દીધેલી .અને બીજી જ પળે ગુલાબની વેલોથી દૂર કરી હુકમસિંહે એમને પોતાનાં બે હાથોમાં ભરી લીધા અને ફરી શાવર રુમમાં લઇ જઇ હાથમાં કાંટાથી ફૂટેલી લોહીની ટશરોને પાણી વડે .... 'આજે રાત્રે મારી રાહ જોશોને ?'અને અગણિત પળો સુધી આંખોમાં આંખો નાખી જવાબની રાહ જોઈ રહયાં.કરડાકી ભરેલી આંખોને બદલે આંખમાં ઉતરી આવેલા  કોઈ પ્રેમી  જેવી નરમાશ અને અવાજની માદકતાએ તુલકબાને યુવા શ્વાસોમાં ઘેરી લીધા , ધીરેથી હાથ છોડાવી ચાલવા  માંડ્યું , થોડે દૂર જઇ પાછળ ફરી જોયું તો હસતાં હસતાં હુકમસિંહે હાથ હલાવ્યો અને દોડતા તુલકબા પોતાના રૂમમાં જતાં રહયા .આજે ધુરમસિંહ નથી એની ખબર હશે ,એટલેજ કેટલાય દિવસની તરસી નજરો અનુભવતાં તુલકબા સમજી ગયા કે મજબૂરી ભરેલાએમના   લગ્ન અને  ધુરમસિંહની સાથેના  અસંતોષભર્યા  દામ્પત્યજીવનનાં દદઁને હુકમસિંહ સમજે છે ....ત્યારબાદનો છુપી  મુલાકાતોનો સિલસિલો  જે મેનેજર અનાયાસે જોઈ ગયેલો અને .......
બસ ,હવે તો ......અચાનક ભયને કારણે ધુરમસિંહનું મૃત્યુ અને  તુલકબાનું આ હવેલીમાં પાછું આવવું જ બાકી છે. ફાઇનલ સહી કરેલી વસિયત આજે કોર્ટમાંથી આવી ગઈ હતી અને ....વીજયી સ્મીત સાથે હવેલીનાં ઉંચા બારણાં બંધ કરી બહાર નીકળતાં ગુલાબની વેલો પર હાથ ફેરવી  ફૂટેલી લોહીની ટશરોએ યાદ તાજી કરી દીધી. અને આંગળીઓથી ઉડતી ઘૂંંઘરાળી લટને સરખી કરતાં  હીંચકા પર બેઠેલા હુંકમસીંગને માણકી નજરે જોઇ રહયાં.
- મનીષા જોબન દેસાઈ   

      

No comments:

Post a Comment