Tuesday 11 October 2016

સ્વપ્ન-રાખ

' .... દિલમાં ઉગેલા આ સોનેરી સૂરજને મારા આ હાથથી શું હું ઢોળી નાખું ?એજ તો છે એક સ્વજન જેવો જે બિલકુલ રિસાયા વગર અડીખમ મને ઊર્જિત અને પ્રેરિત કરી રહ્યો છે ......'પંક્તિઓ લખીને પ્રેરિત બારીની બહાર જોઈ રહ્યો .કલમમાંથી વહેતા  શબ્દના  અસ્ખલિત વહેણમાં વિજયી પતાકા ફરકાવતો , આજનો પ્રતિષ્ઠિત સાહિત્યકાર પ્રેરિત ,નવા સોપાનો સર કરી રહ્યો હતો .પોતાની બેન્કની જોબ સાથે આજે પચીસ  વર્ષમાં અત્યંત સબળ  અને દૂરદેશી વિચારધારા સાથે લોકહૃદયે બિરાજતો હતો .'કેમ લખું છું ?,કોને માટે લખું છું ?, ક્યાં જઈ રહ્યો છું ?'વગેરે સંગ્રહોની શૃંખલાઓ વધતી જતી હતી .કેટલાય ચહેરાઓ છવાઈ જતા મનોજગત પર અને પોતાના પાત્રોના  એક જગતમાં ,જ્યા એનું મનવાંછિત સામ્રાજ્ય હતું .પોતાના ઘડેલા પ્રિય પાત્રોને કેટલાક સંબંધોમાં શોધતો રહેતો .પણ ....એ પાત્રો તો પાણી ઉપરનાં પરપોટા હતાં.જેનો પડછયો પણ હજુ તો પૂરો બને એ પહેલા ફૂટી જાય અને એના હાથમાં વરસી ગયેલા વાદળોની જેમ  ખાલી ભીનાશ રહી જતી અને એ ભીનાશ આંખમાં ડોકાયા કરતી .જેની સાથે જિંદગીનાં વિસ્મયભર્યા કોલેજના વર્ષો દરમિયાન દિલનાં પડળો ખુલ્યા હતાં,એવી ઇકતા પણ એને માટે જાણે એક યાદનાં ખંડેરનું એક સ્ટેચ્યુ બની ગઈ હતી .ક્યારેક એ જીવંત થાય અને એની સાથેની કલ્પિત દુનિયામાં જીવી લેતો .
'ઇકતા ...ઇકતા...શું કરે છે ?ક્યાં છે? ...મારા ચશમા નથી મળતાં.'
'ખરો છે તું પણ ,આ શું તારા લેફ્ટ પોકેટમાંથી તો ડોકાય છે '
'ઓહ ,બસ બધું ભૂલી જવાય છે .અને... તું આટલી ઘરડી કેમ લાગે છે ?'
'જો ,57 વર્ષનાં થયા છે આપણે બંને અને તું ઘરમાં છે . આજે કોલેજ કેન્ટીનમાં કવિતાની દાદ લેતા સમોસા અને સોસીયો નથી પીવાનો ,તારી ચા અને
બટાકાપૌઆ તૈયાર છે ,ઠંડા થઇ જાય એ પહેલા ખાઈ લે .સમયકાળમાં પાછો ફર.'
'સમયની આગળ અને પાછળ અથડાતો રહુ છું અને તું મને બધેજ મળે છે ,પણ એકસરખી નથી રહેતી બદલાઈ જાય છે .આજે સવારે આવૃત અને સીલકા સાથે શું વાતો કર્યા કરતી હતી અને હું તો તકીયા પર તારો હાથ શોધતો રહ્યો '
'પ્રેરિત, હવે બસ કર તારી આ વાતોથી તો હું પાગલ થઇ જઈશ .'
'મારી વાતો પાગલ જેવી લાગે છે તને ?'
'મેં એવું નથી કહ્યું પણ તારી વાતો મને સમજાતી નથી .'
'મારી વાતો તો આખી દુનિયા એકદમ ઉત્સાહ થી વાંચે  છે અને તું ?આવી વાત .....?' કહેતા પ્રેરિત એકદમ ઉભો થઇ ફરી રૂમમાં જતો રહ્યો .ફરી બહાર આવી એની નવી લખાઈ રહેલી  નવલકથા 'તું જ સર્જિતા 'નાં પાનાં લઇ ડાઇનિંગ ટેબલ પર બેઠો અને ઈકતાને હાથ પકડી ખુરશી પર બેસવા કહ્યું .
'ઈકતા ,મારી નવલકથાનો બસ હવે અંત જ લખવાનો બાકી છે ,આ વીકમાં તો કમ્પલિટ  થઇ જશે અને પછી પબ્લિશ માટે મોકલી દઉં .આ વાર્તા એક માઈલસ્ટોન બની રહેશે મને ખાતરી છે .બ્લોગ પર એક પેરાગ્રાફ રિલીઝ કર્યો છે અને વાચકોનો જબરદસ્ત પ્રતિભાવ છે 'સાથે મોબાઈલ પર આવેલા મેસેજ બતાવ્યા .
'પ્રેરિત ,આપણી સિલકા હવે એની જિંદગીનોં મહત્વનો નિર્યણ લેવા જઇ રહી છે .' અને ....પ્રેરિત સામે છેલ્લા બે વર્ષની બધી ઘટનાઓ કોઈ મુવીની જેમ ફરી વળી .આવૃત અને સિલકા એના વહાલા સંતાનોનું બાળપણ,નાની ઢીંગલી સમી સીલકા. આવૃત માસ્ટર્સ કરવા જર્મની ગયો અને દીકરી સિલકા અહીં મેડિકલ માં સ્ટડી કરે અને હવે એક રાજકુમાર આવશે અને એની દીકરી .......'વગેરે સ્વપ્નો સાથે નું હર્યુંભર્યું જીવન ,મારા પાત્રો તો ખરેખર મારી મરજી પ્રમાણે જ ઘડાઈ રહયા છે અને વાસ્તવિકતામાં પણ એ બધા મારું ધાર્યું જ કરવાનાં,યુરોપની ફેમિલી ટુરમાં મળેલા વિકલ શાહ ,સિલકાનો ખાસ મિત્ર બની ગયો હતો અને ઘરે બેસી ગપ્પા મારતા હોય ત્યારે એને જોઈ એક આદર્શ પાત્ર પ્રેરિતનાં મનોજગતમાં જીવતું થઇ ગયું હતું જેમાં સિલકાની આવનારી જિંદગીનાં દૃશયો શબ્દોથી કાગળ પર ઉતારતો જતો હતો .
'સિલકા સિલકા ,ક્યાં ગઈ સવારમાં ?'  બૂમો પાડતો ડાઇનિંગ ટેબલ પરથી અચાનક ઉભો થઇ ગયો .
'શું આમ કરે છે ?પ્રેરિત હું કામ છોડી તારી વાર્તા સાંભળવા બેઠી અને તું તો વિચારમાં ખોવાય જાય ..... ને અચાનક સિલકા !'
એટલામાં બહારથી બાજુવાળા કિર્ત્તેશની બૂમ સાંભળી મેઈન ગેટ તરફ દોડ્યો .અને ઇકતા ..માથે હાથ મૂકી ,'ઓ માય ગોડ 'કહી મોટા અવાજે થઇ રહેલો કાર પાર્કિંગ માટેનો ઝગડો સાંભળી રહી .ફરી એકદમ જોરમાં ખિજવાતો પાછો અંદર આવ્યો .સિલકા બાજુનાં ઘરમાં જ એની ફ્રેન્ડ તી્ક્ષા પાસે ગઈ હતી .અને ..એનાં અંદર દાખલ થતા પ્રેરિતનો પારો સાતમા આસમાને ..'એ  હરામખોર ,લડાક,લૂખો ....ત્યાં શું જઇ ને બેસી રહો છો ?બેઉ માં -દીકરી ?અહીં મારે ને એને રોજ ઝગડો થાય છે .
'પપ્પા ,હું જરા તારણ પાસે નોટસ લઇ રહી હતી .'
'એ બોચિયો શું  શીખવવાનો તને ? '
'પપ્પા તમે બધાને અંડર એસ્ટીમેટ નહિ કરો ,એતો એમ.બી.બી.એસ .માં ફર્સ્ટ આવી એમ. ડી .કરી રહ્યો છે '
'અરે ,સાવ ડૂચા જેવો છે .'
'પપ્પા ,એ એની ધૂનમાં ને અભ્યાસમાં હોય એટલે એવું લાગે ,પણ બહુ જ ઇન્ટેલીજન્ટ અને લાગણીભર્યો છે .અમે તો બધા તમારી ને  કિર્ત્તેશઅંકલ ની વારંવારની  લડાઈ થી કંટાળી ગયા છે '
'જો ,સિલકા તારા કરતા વધુ દુનિયા જોઈ છે ,બધી વાતમાં મારી સામે આર્ગ્યું નહીં કરવાનું ' અને ધડામથી બારણું પછાડી સિલકા રૂમમાં જતી રહી .
ઇકતા  ફરી વાત બદલતા ,
'ચાલ હવે તું શાંત થા અને તારી વાર્તા સંભળાવ '
'બસ ,હવે મૂડ નથી 'કહી બ્રેકફાસ્ટ લેવા બેસી ગયો .
એકદમ ગુસ્સામાં નહાતા નહાતા ટોવેલ માટે બૂમો પાડી અને પછી થોડી વાર એકદમ નીરવ શાંતિ છવાઈ ગઈ .ઇકતા એ રૂમમાં જઇ જોયું તો કોમ્પ્યુટર પર ગેમ રમતો હતો .અને થોડીવારમાં બેન્ક પર જવા નીકળી ગયો.રસ્તે પાછો વિચારે ચઢી ગયો.
પોતાનું સ્વપ્નજગત અને આ ....આ શું ? પણ ...મારી વાર્તાઓમાં પણ વિલન અને વેમ્પ તો હોય જ છે  ને ? અને મારી દીકરી ? પેલા બોચીયાની ઇન્ટેલિજ ન્સ અને વિચારોથી પ્રભાવિત ?હું તો મારા સમય કરતા એકદમ આગળ અને મોર્ડન અને આવા ગામડિયા જેવા મિત્રો સાથે સિલકાને સમય ગાળવો વધુ ગમે ?આજની આરગ્યમેન્ટથી તો પ્રેરિત એકદમ વિચારોના વમળમાં ઘેરાઈ ગયો અને પોતાનાં ગોઠવેલા બધા પાત્રો જાણે કે એની સામે મર્માળુ હસતા હોય એવું દેખાવા લાગ્યું .અને સમય...  કોઈ નવી ચાલ તો નથી ચાલી રહ્યો ને ?જિંદગીની રેત પરથી મારી પકડ ઓછી થઇ  ગઈ છે ?  ...આજુ બાજુનું આખું  જગત ધીમે ધીમે સરકતું જતું હોય અને એ એકદમ સજ્જડ થઈને કોઈ જગ્યા એ જાણે કે જડાઈ ગયો છે ,વિચારોને ખંખેરતા ઉભા થઇ કોફી પીધી અને કેબિનની બહાર નીકળી સ્ટાફરૂમ તરફ ગયો .
'અરે સર,આજે તો કઈ સુરજ પશ્ચિમમાં ઉગ્યો કે કેમ ?ચાલો ,સાથે થોડો નાસ્તો કરો .'
'નો થેન્ક્સ ,જરાયે ભૂખ નથી આ કોફી જસ્ટ ફિનિશ કરું છું '
'તમારી નોવેલની તૈયારી કેમ ચાલે છે ?'
'સરસ સરસ ,'
'સર અમે કઈ ખાસ નથી પણ અમારા વિષે પણ કઈ લખજો 'કહી ભાર્ગવ પાટીલ હસવા માંડ્યો .
'ચોક્કસ લખીશ ',ફરી કેબિનમાં આવી રૂટીન કામકાજ અને લોનની ફાઈલ જોવામાં વ્યસ્ત થઇ ગયો . અને .....બુક પબ્લિશ કરવાની બધી તૈયારી થઇ ગઈ હતી .સાંજે વિકલ એના પપ્પા મમ્મીને લઈને મળવા આવ્યો .બધા ફ્રેન્ડલી ડિસ્કસ કરતા હતાં અને પ્રેરિત એકદમ રંગીન તરંગોની દુનિયામાં વિહરતો ઊંઘવાનો પ્રયત્ન કરવા લાગ્યો .એની છુપી ખુશીને અનુભવતી ઇકતા એની બંધ આંખો પર ફરફરતા સ્વપ્નોનાં પંખીઓના પડછાયા જોઈ રહી .મનમાં અનેક વિચારોને મમળાવતા સિલિકાનાં વર્તન અને વિચારોનાં પરિવર્તનથી મુંજાઈ રહી હતી .એના હૃદયમાં એક અજાણ્યા તોફાનનો દર લાગતો હતો જેમાં પ્રેરિતની સ્વપ્નોની દુનિયા વેરવિખેર હતી ......સ્વપ્નોના એ વિખરાયેલા ટુકડાઓ બાણશૈયાની જેમ પ્રેરિતનાં અસ્તિત્વને લોહીલુહાણ કરી નાખશે ....બસ સમયની આ નાજુક કંટાળી ચાલ સાથે પ્રેરિતનું મનોજગત વધુ ગૂંચવાઈ જવાનું એ ચોક્કસ હતું . અને એક ઊંડો શ્વાસ લઇ પડખું ફેરવી ઉંઘી ગઈ .સાંજે 5-30 એ સુપરસ્ટોરમાંથી ઘરે પાછી ફરી અને  કમ્પાઉન્ડ ગેટ ખોલતી હતી ત્યાં તારણ ગાર્ડનમાં થી કૂદીને ફરી એના બંગલામાં જતો હતો .
'શું થયું ?'
'આ ...જરા મારો ટોવેલ ઉડી ગયો હતો એ લેવા આવ્યો હતો .'જરાક વાંકા વળી વોલ પાછળથી જવાબ આપ્યો .
'ઓકે 'કહી અંદર ગઈ અને સિલકા શેમ્પુ કરેલા હેર લૂંછતી રૂમની બહાર આવી 
'ઓહ ,આવી ગઈ મમ્મી ?પપ્પા તો આજે એક ફ્રેન્ડને ત્યાં જમીને આવવાના છે .'
'હા ફોન આવ્યો હતો ' અને ......સિલકા સામે જોઈ રહી .આંખોમાં અને ગાલ પર ગુલાબી ઝાંય અને લેટેસ્ટ કટનું મીડી પહેરી એકદમ સુંદર લાગી રહી હતી .
'ચાલ , આપણા જમવાની તો તૈયારી કરીયે .'
'મમ્મી હું ,બાજુવાળા પ્રજ્ઞાઆંટી પાસે મસાલા ખીચડી શીખી છું એ બનાવું? ને ...ઇકતા  એનો ઉત્સાહ જોઈ રહી ,ખબર હતી કે જવાબની રાહ નથી જોવાની ખાલી જણાવ્યું જ છે . રૂમમાં  ફ્રેશ થઇ આવી ત્યાં તો કૂકરની સીટી પણ સંભળાઈ અને ચુપચાપ બંને જમવા માંડયા .ફાઇનલ એક્ઝામને હવે પંદર દિવસ બાકી રહયા હતા.એકઝામ પતી ને વેકેશનમાં વિકલનાં ઘરે પાર્ટીમાં ગયા.અને બધા સાથે ખુબ મોટા સાહિત્યકાર તરીકે પ્રેરિતને ઈન્ટ્રોડ્યૂસ કર્યો .પાર્ટીમાં ડ્રિન્કની છોળ ઊડતી હતી અને વિકલનાં મમ્મીએ ડ્રિન્કની ઓફર કરી પણ ઈક્તાએટ 'ના 'કહી.પાર્ટીમાં વિકલનાં ફ્રેન્ડ સર્કલમાં  સિલકાને 'વેરી દેશી 'કોઈ બોલ્યું તે ઇકતા એ સાંભળ્યું પણ કઈ બોલી નહીં,વિકલ અને સિલકા દૂર વાતો કરતા ઉભા હતા અને પ્રેરિત એની મસ્તીમાં પોતાના સંગ્રહો વિષે વાતો કર્યે જતો હતો . હાથ ખેંચીને વિકલ સિલકાને ડાન્સ માટે બધાની વચ્ચે લઇ ઉભો રહ્યો  અને આજુબાજુ બધા ક્લેપિંન્ગ કરી ઉત્સાહિત કરી રહયા હતાં, પણ સિલકા જરા ખચકાઈ રહી હતી એ ઇકતા એ ઓબ્ઝરવે કર્યું .ઘરે જતા કારમાં પ્રેરિત એકદમ ઉત્તેજિત થઇ પાર્ટીની વાતો કરી રહ્યો હતો .ઇકતા બોલી,
' વિકલના મમ્મી પણ સારું એવું ડી્ન્ક કરે છે '
'અરે આમજ જીવવું જોઈએ ,જિંદગી તો આવા લોકો જોડે જ જીવવાની મઝા આવે '  આ સાંભળીબંને ચુપ થઇ ગયા . અને ....
                                  એક સવારે ડાઇનિંગ ટેબલ પર સિલિકાની લખેલી ચીઠ્ઠી 'મને ખબર નથી તમને આ યોગ્ય લાગશે કે કેમ ,પણ હું તારણ સાથે મારું નવજીવન શરુ કરવા જઇ રહી છું .અમે રજીસ્ટર મેરેજ કરી લીધા છે '
હાથમાં કાગળ લઇ બેઠેલી ઇકતાને રૂમમાંથી બહાર નીકળી ઓફિસ જવા તૈયાર થયેલા પ્રેરીતે જોઈ અને વાંચીને પાંચ મિનિટ ચુપચાપ ઉભો રહી ગયો .બેગ ટેબલ પર મૂકી .અને રુમમાંથી હાથમાં સળગતાં નવી નવલકથાનાં પાના લઇ ગાર્ડનમાં હિંચકા પર બેસી ગયો .સામે ફ્લોર પર ફેંકેલા સળગતા પાનાંની આગ ઓલવવા ઇકતા દોડી પણ ...
પ્રેરીત એટલું જ બોલ્યો, 'બસ હવે એનાં પર પાણી નાખી દે ,એમાં કંઈ બાકી રહ્યું નથી .ફકત સ્વપ્નરાખ છે'
-મનીષા જોબન દેસાઇ

No comments:

Post a Comment