Tuesday 11 October 2016

મજબૂરી

હોસ્ટેલની બારી પર મૂકેલાં રેડીઓ પર ગીત વાગી રહ્યું હતું .અને  જીગત ,કુણાલ અને શાર્દુલ  પોતપોતાનાં વિષયનાં ડ્રોઈંગ કે લખવાનું તૈયાર કરી રહ્યા હતાં. ત્યાં બાજુનાં રૂમમાંથી રુસ્તમ  આવ્યો .
"તે આંઈ  બાવા, બધા બેસીને શું ઘેલા જેમ વાંચવા મરી  પડ્યા છો ?ચાલોની જરા પાનનાં ગલ્લે લટાર મારી આવીએ.  સિગરેટ વિનાં તો ગલુ સુકાય છે " બધા થોડા મૂડમાં આવી ગયા . મસ્ત લાઈટ વાતાવરણમાં ભણવાનું ચાલતું હતું .હજુ તો એક આખું વર્ષ બાકી . 

પાછા આવી વાતો કરતા બેઠા ત્યાં શાર્દુલે પોતાની નવી શરુ થયેલી લવ સ્ટોરી વિષે ડીટેલમાં વાત માંડી ."અરે જવાદેની એ દિવસે તો એકદમ વરસાદ ચાલુ હતો હું તો અડધો ભીંજાઈ ગયેલો, ને ટીકીટ મળી ગયી તે  પિક્ચર જોવા બેસી ગયો .બાજૂમાં એવી બ્યુટીફૂલ છોકરી બેઠી હતી .સ્ક્રીન પર રોમેન્ટિક સીન ચાલે અને ધીરે ધીરે બે -ત્રણ વાર અમારા હાથ અડી જતા હતાં. ઇન્ટરવલમાં અમારી આંખો મળી અને અમને બંનેને વરસાદી પ્રેમની ધ્રુજારી શરુ થઇ ગઈ .હિંમત કરી વાત શરુ કરી .બાજુમાં એનો નાનો ભાઈ બેઠેલો એને પણ વેફર ખવડાવી .એનું નામ જુલ્કા .આપણે તો બરાબર ઓળખાણ કરી પાકું કરી લીધું .પછીતો બાગમાં ને રેસ્ટોરંટમાં પણ જઈ આવ્યા.

રુસ્તમ કહે 'તે આઈ બાવા તું તો એક મહિનામાં કડકો થઇ જવાનો ,બાપા આવી હિસાબ માંગશે તાંઈ તારી પ્રેમની ધ્રુજારી વીજલીનાં ઝટકા જેવી થઇ જશે " ને હસાહસ . 

"એ બાવા, હાંભળની બરાબર મઝા આવે છે " જીગત બોલ્યો. ને શાર્દુલે બરાબર  મરી - મસાલા સાથે લવ સ્ટોરી ચાલુ રાખી .બધાને ઈર્ષા થવા માંડી .ગજબનો જામી ગયો શાર્દુલ તો . અચાનક એક દિવસ શાર્દુલ પરસેવે રેબઝેબ ગભરાયેલો  રૂમમાં આવ્યો,પાણીનું જગ મોઢે  માંડી ગટગટ પાણી પીવા માંડ્યો .જીગત અને કુણાલ સમજી ગયા કંઈ બબાલ થઇ લાગે છે .

"અરે યાર જવા દે ને જુલ્કાનાં  ઘરે ખબર પડી ગઈ લાગે છે .એનો મોટોભાઈને એનો ફ્રેન્ડ તો ગુંડા જેવા લાગે છે.મને બે તમાચા મારી દીધા અને બૂક પણ બધી રસ્તે ગટરમાં ફેકી દીધી .બહુ રીક્વેસ્ટ કરી ત્યારે મારી પાસે ૩૦૦ રૂપિયા હતાં એ આપ્યા તો મને આવવા દીધો નહીતો પોલીસને સોંપી દેવાની વાત કરતા હતાં "
આ સ્ટોરી સાંભળી મિત્રમંડળમાં સોપો પડી ગયો .બધાને ગભરાટ થઇ ગયો કે હોસ્ટેલનાં રેક્ટરને ખબર પડશે તો શાર્દુલનાં ઘર સુધી વાત પહોચી જશે. ફરી એક ફોન આવ્યો ને શાર્દુલને જુલ્કાએ મળવા બોલાવ્યો.બધાએ કહ્યું, તું સાચવીને જા કોઈને સાથે લઇ જા .અને શાર્દુલ મળવા ગયો .જુલ્કા રડતા ચહેરે ભાઈઓ સાથે ઉભી હતી .ખુબ ઝગડો થયો અને ચપ્પુની અણીએ શાર્દુલ પાસે ૨૦૦૦ રૂપિયા અને હાથની વીટી- ચેઈન પણ કઢાવી લીધા .ઝુલ્કા કહે ,

"મને તો તારી સાથે જ આવવું છે પણ ભાઈ મને મારી નાખશે "અને શાર્દુલ ધ્રુજતો જુલ્કાને રડતી આંખે કોઈ પશુનાં કતલખાને લઇ  જવાતી  ગાયની જેમ જતી જોઈ ચોધાર આંસુએ રડી પડ્યો .કુણાલને જીગત એને  જેમતેમ સંભાળી હોસ્ટેલ લઇ પાછા  આવ્યાં.થોડા દિવસમાં  શાર્દુલ સ્વસ્થ થઇ રહે એટલામાં ફોન આવ્યો અને જુલ્કા પ્રેગ્નન્ટ થઇ ગઈ હોવાથી ૫૦ હજાર રૂપિયાની માંગણી કરી . બધાએ મળીને શાર્દુલને કહ્યું તું કંઈ પણ માંદગીનું બહાનું કાઢી ઘરે જતો રહે .શાર્દૂલ ભણવાનું  છોડી ઘરે જતો રહ્યો.મિત્રોનાં ફોન આવતા .એ લોકોનો કોન્ટેક્ટ કરવાનો પેલા ગુંડાઓએ પ્રયત્ન કર્યો પણ કોઈ  રિસ્પોન્સ નહિ આપતા ધીરે ધીરે બંધ થઇ ગયા .
               
શાર્દુલે પોતાના ઘરેથી જ એક્ષ્ટરનલ  પરીક્ષા આપી .વરસો વીતી ગયા વાતને... બધા પોતપોતાની રીતે સેટ થઇ ગયા .શાર્દુલ પણ પોતાના ઘરનાે બીઝનેસ અને સાથે સેવાકીય -રાજકીય પ્રવૃત્તિમાં બીઝી થઇ ગયો .બે બાળકો સાથેનો સુંદર સંસાર વસાવી લીધો .આજે સ્ત્રી -કલ્યાણ સંસ્થાનાં પ્રોગ્રામમાં પ્રમુખ તરીકે જવાનું હતું અને બધા એરીઆમાં ફરી પ્રચાર પણ કરવાનો હતો .

થોડા મેમ્બરો સાથે ફરતા સામે દરવાજા પાસે મેકપ કરેલો, શણગારેલો એક ચહેરો જોઈ શાર્દુલનું હર્દય એક ધબકારો ચુકી ગયું .એ સ્ત્રી  જોરથી કઈ બોલ્યે જતી હતી ."અબ આપ હમેં સબ છોડકે અચ્છી રાહપે ચલને કી સલાહ દેતે હો જબ હમેં મજબુર કિયા જાતા હે તબ કયું નહિ આતે ?" જુલ્કા ફરીને  આ બાજુ જુવે એ પહેલા શાર્દુલ આંખ પર રૂમાલ ઢાંકી અપરાધભાવે  ફરીને ગાડીમાં બેસી ગયો .ગોગલ્સમાંથી વહેતા આંસુએ શાર્દુલનાં  ચહેરા પર દર્દની કહાની લખી દીધી હતી. 
-મનીષા જોબન દેસાઇ

No comments:

Post a Comment