Monday, 10 October 2016

સફરનો સંગાથ

વેકેશન પડે એટલે જીનીતા બે મહિના  કાકા ,મામા ,માસીને ત્યાં મુંબઈ રહેવા જાય . પિક્ચર જોવા અને ખાવું -હરવું -ફરવું .૧૨ th નાં નવા વર્ષની તૈયારી પણ કરવાની .સાહિત્ય  ,ગઝલ   ગીતોની નવી નવી સમજ આવેલી. જાગતી આંખે સપનાં જોવાનાં દિવસો .
              
વહેલી સવારે ઘરે પાછા જવા ટ્રેઈન પકડવાની  છે ,  સ્ટેશન પર ટાઇમે પહોંચ્યા પણ ખાસ્સી  ભીડ, માંડ માંડ એક બેસવાની સીટ મળી  .સામાન ગોઠવી રહી હતી ત્યાં બાજુ માં બેઠેલ યુવકે મદદ કરી .
"આવજો આવજો," કરતાં માસી અને કઝીન્સ  જઈને  પહોંચ્યાંનો ફોન કરવાની સૂચનાઓ  આપતા હતાં. ટ્રેઇન સ્ટાર્ટ થઇ . ધીરે ધીરે  ગોઠવાયા. અને પછી જીનીતા એ બાજુમાં બેઠેલા યુવક ને ' થેન્ક્સ ' કહ્યું . બારીમાંથી પસાર થતાં  દ્રશ્યો જોઈ  બેસી  રહ્યા .બધા આજુબાજુ કઈ વાતો કરી રહ્યા હતાં .બાળકો  ચોકલેટ માટે ધમાલ કરતા હતાં .જીનીતાથી પણ એ જોઇ હસાઈ ગયું . ત્યાં તો બાજુમાંથી યુવકે પૂછ્યું .
"તમે ક્યાં જવાના ?" જીનીતા એ જવાબ  આપ્યો એટલે યુવક કહે, "ઓહ ,હું પણ ત્યાંજ રહું છું ." થોડી ઘણી વાતો કરતા ગયા . એનું નામ  નીરજ  હતું . અને જીનીતાનાં જ શહેરમાં  ફર્સ્ટ યરમાં સ્ટડી  કરતો હતો .  એના મોટા બહેનને ત્યાં પૂજા હતી  એટલે બે -ત્રણ દિવસ માટે મુંબઈ આવ્યો હતો .સ્ટડી ને ફિલ્મોની થોડી વાતો થઇ રહી .અને ત્યાંતો સ્ટેશન આવ્યું . સામાન ઉતારવામાં મદદ કરતાં નીરજનાં હાથે અને   વ્હાઈટ  ટી- શર્ટ પર   હેન્ડ બેગમાંના  ઢોળાઈ ગયેલા અથાણા નો ડાઘ લાગ્યો . જીનીતાએ બે ત્રણ વાર' સોરી 'કહ્યું .  ભીડમાંથી  સામાન સાચવતા  જીનીતા સ્ટેશન ની બહાર નીકળી . ભીડ માં આગળ પાછળ થઇ ગયા હતાં  બન્ને. આમતેમ જોતા  રીક્ષાની લાઈન માં ઉભી રહી ગયી .  ભીડમાં અચાનક જીનીતા ની નજર રીક્ષાનીલાઈન મા જ ખાસ્સા દૂર ઉભેલા નીરજ પર ગઈ .નજરો મળી રહી હતી .પણ  દૂર હોવાને લીધે વાત પણ શું કરવી .એટલામાં તો રીક્ષા આવી .
'જલ્દી બેસો ,જલ્દી બેસો'  ની બૂમ સાંભળી જીનીતા  રીક્ષામાં બેસી ગઈ.અને રીક્ષાવાળાએ તો પવનવેગે  હંકારી દીધી .
              
શું કહે જીનીતા ?  કે પાછળ  મારો  મનગમતો સંગાથ રહી ગયો છે ...
વરસો વીતી ગયા આજે પણ જીનીતાનાં દિલના  એક ખૂણામાં  મીઠી તીખી યાદ  ટકોરા  માર્યા વગર ગમે ત્યારે  આવી  જાય છે .અને ....
જીંદગી ટ્રેઈન ની જેમ દોડતી જાય છે...
-મનીષા જોબન દેસાઈ

No comments:

Post a Comment